તસવીર છું
આંસુથી ઝાંખી પડેલી એકલી તસવીર છું,
હું વિખેરાયેલ ઘરનું એક ફાટ્યું ચીર છું.
ગામ છોડ્યું, નામ છોડ્યું, પેટ માટે દોડતો,
રોજ ચોરે વેચવા મૂકેલ કો’ તકદીર છું.
રોજ ઈંટો ઊંચકું ને રોજ ઊંચાં ઘર ચણું,
ને પછી હું ફૂટપાથે ઊંઘની ઝંઝીર છું.
કોઈ પૂછે, ‘કોણ છે તું?’ તો કહું શું ગર્વથી?
હું જ મારી ઝૂંપડીનો રંક એવો મીર છું.
ડાળથી છૂટ્યો, ભટકતો હું હવામાં, ઓ ‘પરાગ’,
તોય બીજે ક્યાંક ખીલું, એ જ તો તાસીર છું.
– પરાગ રતનપરા
#ગઝલ #મજૂર #સ્થળાંતર #ગરીબી #સ્વાભિમાન #પરાગરતનપરા
#GujaratiGhazal #MigrantWorker #Poverty #Dignity #Resilience #ParagRatanpara