ટપરીની ચા
તું હોય ને ટપરીની ચા, ને ઓટલાની વાત,
એનાથી મોટી શું, દોસ્ત, બીજી કોઈ સોગાત?
નિશાળમાં તેં કૉપી કરાવી, માસ્તરનો ખાધો માર,
મારા પહેલા પ્રેમપત્રનો તું જ હતો લખનાર;
આજે મોટા થઈ ગયા, પણ યાદ છે એ દિન-રાત…
તું હોય ને…
નોકરી, ઘર, બાળકો — સૌની વચ્ચે ખોવાયા,
વૉટ્સએપ પર ‘ગુડ મૉર્નિંગ’, ને ‘ગુડ નાઇટ’માં સમાયા;
ચાલ, આ રવિવારે મળીએ, છોડ બધી પંચાત…
તું હોય ને…
પરાગ કહે: આ દોસ્તી એવી, જેમ ફૂલમાં સુવાસ,
દેખાય નહીં, પણ હોય સદા, ને આપે શ્વાસે શ્વાસ;
તું ન હોય તો જિંદગી, દોસ્ત, ખાલી ખાલી રાત…
તું હોય ને…
– પરાગ રતનપરા