તમે ગયા ને
તમે ગયા ને ઓરડે મારે ખાલીપાનું રાજ,
ઝાંઝર મૂંગાં, કંગન ચૂપ, ને મૌન બન્યું રે સાજ.
ખીંટીએ તમારું પહેરણ ઝૂલે, હજી ય મ્હેકે અત્તર,
દર્પણ પૂછે: ‘ક્યાં ગયો એ?’ — હું શું આપું ઉત્તર?
ચૂલે રોટલી બળી ગઈ, ને ભૂલી ગઈ હું લાજ…
તમે ગયા ને…
રાતે ચાંદો બારીએ આવી પૂછે તમારી વાત,
ઓશીકું આખી રાત જાગે, ને આંખો કરે પ્રભાત;
કાગ ઉડાડું, શુકન જોઉં: ક્યારે આવે રાજ?
તમે ગયા ને…
પરાગ કહે: આ વિરહ નથી, આ તો પ્રીતની ભઠ્ઠી,
જેટલી તપે, એટલી ઊજળી થાય રે પ્રેમની ચિઠ્ઠી;
તમે આવો તો ઘરમાં પાછો ગુંજે મીઠો અવાજ…
તમે ગયા ને…
– પરાગ રતનપરા