તારી જ છે
શ્વાસ મારા, પણ સકળ આ જિંદગી તારી જ છે,
હોઠ મારા, પણ ગઝલની બંદગી તારી જ છે.
ફૂલ ખીલ્યાં તો બગીચે નામ માળીનું થયું,
પાંદડાંમાં જે વહે, એ તાજગી તારી જ છે.
આયનો બોલ્યો, ‘ભલે લાખો ઘરેણાં તું પહેર,
પણ ઝળકતી જે મુખે, એ સાદગી તારી જ છે.’
થાળમાં છપ્પન ભરો પણ સ્વાદ ક્યાં મા જેટલો?
મા, હવે ક્યાં શોધવી? હર વાનગી તારી જ છે.
મ્હેક તો આ બાગની છે, પણ પરાગે ઓળખી:
ફૂલને ઘેલું કરે, દીવાનગી તારી જ છે.
– પરાગ રતનપરા
#ગઝલ #બંદગી #સાદગી #મા #સમર્પણ #પરાગરતનપરા
#GujaratiGhazal #Devotion #Simplicity #MothersTouch #Surrender #ParagRatanpara