← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

સિગ્નલ પરનો તિરંગો

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

પંદરમી ઑગસ્ટે
સિગ્નલ પર
એક છોકરો
તિરંગા વેચે છે —
દસ રૂપિયાનો એક.

લાલ લાઇટ થાય ત્યારે
ગાડીઓના કાચ પર ટકોરા મારે છે.
કાચ ઊતરતા નથી.
ગાડીઓમાં
દેશભક્તિનાં ગીતો વાગે છે.

સાંજે
ન વેચાયેલા ધ્વજ
એ છાતીએ ચાંપીને
ફૂટપાથ પર સૂઈ જાય છે.

આખા દેશમાં
ધ્વજ ફરકે છે,
એની છાતી પર
ધ્વજ ઊંઘે છે.

આઝાદી
કદાચ
એ જ પળની રાહ જુએ છે —
જ્યારે કોઈ કાચ ઊતરશે.

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખએવું નથીઆગલો લેખ →જગાડી ગયું