શક્ય છે
વાંસના આ ઠૂંઠમાંથી વાંસળી પણ શક્ય છે,
આભ કાળું હોય તો ત્યાં વીજળી પણ શક્ય છે.
કોલસાની ખાણમાં જઈને જરા જોજો તમે,
કાળમીંઢા પથ્થરે હીરા-કણી પણ શક્ય છે.
ડૂબતો હો તું ભલે આ ભવ-નદીના પૂરમાં,
કોઈ અણજાણી દિશાથી આંગળી પણ શક્ય છે.
રોજ ઉપવાસો કરો, ને સૂપ પીઓ બાર માસ,
પેટ પર પણ એક દા'ડો પાંસળી પણ શક્ય છે.
જીર્ણ સઘળું ત્યાગવાની જો પરાગે ટેવ હો,
જાત પરથી સાપ જેવી કાંચળી પણ શક્ય છે.
– પરાગ રતનપરા
#ગઝલ #આશા #શક્યતા #હાસ્ય #પરિવર્તન #પરાગરતનપરા
#GujaratiGhazal #Hope #Possibility #Humour #Renewal #ParagRatanpara