શબરીનાં બોર
રોજ વાળું કેડી, ને રોજ વીણું બોર,
ક્યારે ઊગશે, રામ, મારી ઝૂંપડીએ ભોર?
ઝાંખી આંખે જોઉં વાટ, ધ્રૂજે મારા હાથ,
ગુરુએ કીધું’તું: ‘આવશે’, એ જ મારો સાથ;
વાળ ધોળા થઈ ગયા, તોય ઇચ્છા રહી કિશોર…
રોજ વાળું કેડી…
ખાટાં બોર તો ફેંકી દઉં, મીઠાં રાખું પાસ,
એઠાં ભલે ગણે આ દુનિયા, મારો પ્રેમ ખાસ;
ધરવા પાસે શું છે? બસ પ્રેમનો કાચો દોર…
રોજ વાળું કેડી…
પરાગ કહે: રામ આવ્યા, ને ખાધાં એઠાં બોર,
શબરી ના બોલી કશું, બસ આંસુ વરસ્યાં ઘોર;
વરસોની તપસ્યાનો આજે ઊગ્યો સોનલ ભોર…
રોજ વાળું કેડી…
– પરાગ રતનપરા