શબદ ન ઊગે જી
કાગળ કાળા કરીએ તોયે શબદ ન ઊગે જી,
ભીતર ખેડ્યા વિના, સાધો, મોતી ક્યાંથી પૂગે જી?
અહમ્ તણાં તો ઢેફાં મોટાં, ખેતર આખું કાંકર,
ઉપર ઉપર વાવ્યા કરીએ, ભીતર ઊગે ઝાંખર;
આંસુનો વરસાદ પડે તો કૂંપળ ક્યાંક ફૂટે જી…
કાગળ કાળા…
ગુરુએ દીધો એક જ અક્ષર, ‘ઝૂકી જા’ કીધું,
મેં તો પોથીપાનાં વાંચ્યાં, ઝૂકવાનું ના લીધું;
નમ્યો નહીં ત્યાં લગી સાધો, અર્થ ન ભીતર ઘૂંટે જી…
કાગળ કાળા…
દાસ પરાગ કહે સંતો, શબદ તો આપમેળે આવે,
મન મૂંગું થાય ત્યારે જ અનહદની વાણી ગાવે;
ખાલી ઘડો જે થાય, એ જ અમરત ભરીને ઊઠે જી…
કાગળ કાળા…
– પરાગ રતનપરા