સવારની ચા
ઊઠો ને સાયબા, થઈ છે સવાર,
આંગણિયે ઊતરી સોનેરી ધાર…
કૂકડો બોલ્યો, ચકલી બોલી, બોલી દૂધની ઝારી,
તમે હજી ઓઢીને સૂતા, જાણે રાતની ખુમારી;
ઠંડી થાશે ચા, સાયબા, હવે ન લગાડો વાર…
ઊઠો ને સાયબા…
સાથે બેસી પીએ ચા ને વાતો કરીએ બે ઘડી,
પછી તો દિવસ દોડશે, ને ઘડિયાળ થાશે કડી;
આ ઘડી છે આપણી, બાકી દુનિયાનો ભાર…
ઊઠો ને સાયબા…
પરાગ કહે: આ પ્રેમ નથી કંઈ ચાંદ-તારાની વાત,
એક કપ ચા ને બે હાથમાં જીવતરની સોગાત;
એક કપ ચામાં ઊગે આખા જીવતરનો સાર…
ઊઠો ને સાયબા…
– પરાગ રતનપરા