સરતું રહે
રેતની મુઠ્ઠી સમું આ આયખું સરતું રહે,
ને ઘડીનું ચક્ર આખું રાતદિન ફરતું રહે.
સત્ય તો સાગર સમું છે, શાંત ઊંડે, ને ઉપર
જૂઠનું ફીણ જ સપાટી પર સતત તરતું રહે.
ધૂળમાં ભળવું જ છે અંતે, ખબર છે તો ય આ
મન બિચારું મોતથી તોયે સતત ડરતું રહે.
કોઈ ચાલ્યું જાય છે, ને તોય એનું નામ તો
આંખમાંથી ઓસ જેવું મૌન થઈ ઝરતું રહે.
એક દી ખરવું પરાગે પણ પડે, જાણું છતાં,
તોય ફૂલે ફૂલ મ્હેકી, મધ નવું ભરતું રહે.
– પરાગ રતનપરા
#ગઝલ #ક્ષણભંગુર #સત્ય #સમય #અસ્તિત્વ #પરાગરતનપરા
#GujaratiGhazal #Impermanence #TruthAndLies #Time #Existence #ParagRatanpara