← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

સરનામું

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

પંદર વરસ પછી
ગામ ગયો.

મૅપ ચાલુ કર્યો,
બાના ઘરનું સરનામું નાખ્યું.

ફોન
વળાંકે વળાંકે કહેતો રહ્યો:
‘ડાબે વળો…’
‘સીધા જાઓ…’
‘સો મીટર પછી…’

પછી
ધીમેથી બોલ્યો:
‘તમે પહોંચી ગયા છો.’

મેં ગાડી ઊભી રાખી.

જ્યાં
બાનો ઓટલો હતો,
તુલસીક્યારો હતો,
લીમડાનો છાંયો હતો —

ત્યાં
પેટ્રોલ પંપ હતો.

મૅપ સાચો હતો.

હું જ
ખોટા વરસે
પહોંચ્યો હતો.

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખધુમ્મસની ચાદરઆગલો લેખ →સાચી કવિતા