સરહદે સાયબો
ફાગણ આવ્યો, રંગ ઊડ્યા, પણ હોળી મારી ખારી રે,
મારો સાયબો સરહદ પર, ને સૂની મારી અટારી રે.
ગામ આખું ગુલાલે રંગાયું, ઢોલ ઢબૂક્યા ચોકે,
સખીઓ આવી પિચકારી લઈ, પણ મન મારું ના ઝોકે;
એની વરદી લીલી લીલી, એ જ મારી ચૂંદડી સારી રે…
ફાગણ આવ્યો…
ફોનમાં એનો અવાજ આવ્યો: ‘રમજે તું, ના રડજે,’
પાછળ ગોળીઓ ગાજી, ને એ બોલ્યો: ‘ભૂલી જજે’;
ગુલાલને બદલે ત્યાં તો બરફ પડે છે ભારી રે…
ફાગણ આવ્યો…
પરાગ કહે: આ દેશ રંગાય છે જે લોહીના રંગે,
એ લોહી કોઈ સાયબાનું, ને આંસુ કોઈ સંગે;
આ હોળીએ એક ચપટી ગુલાલ સરહદ નામે વારી રે…
ફાગણ આવ્યો…
– પરાગ રતનપરા