સાથમાં
હાથ લંબાવું અને કો’ હાથ ઝાલે સાથમાં,
ઠોકરો, ખાડા, ચડાણો — કોઈ ચાલે સાથમાં.
ઘર ભરેલું, ફોનમાં હજ્જાર મિત્રો છે છતાં,
રાતભર તાવે તપું તો કોણ વ્હાલે સાથમાં?
આ ઉજાણી, આ ઉમંગો, આ દિવાળી, આ હુલાસ,
એકલો હું શું કરું? બસ કોઈ મ્હાલે સાથમાં!
બાગમાં પણ એકલું એ ફૂલ મુરઝાતું રહે,
ખીલશે, જો એક બીજું ફૂલ ફાલે સાથમાં.
આ પરાગે શું કહું, બસ એટલી છે ઝંખના,
આખરી ટાણે, હથેળી કોઈ ભાલે સાથમાં.
– પરાગ રતનપરા
#ગઝલ #સંગાથ #એકલતા #ઝંખના #હમસફર #પરાગરતનપરા
#GujaratiGhazal #Companionship #Loneliness #Longing #SoulMate #ParagRatanpara