સામે પૂર
હલેસાં મારું રે હું તો સામે પૂર,
કાંઠો દેખાય પાસે, તોય રહે દૂર.
નદી વાંકી, વહેણ વાંકું, વાંકો વાયરો વાય,
સીધો મારગ શોધું, ત્યાં તો વમળ વચ્ચે આય;
હોડીમાં બેઠેલાંનાં હૈયાં ધબકે ભરપૂર…
હલેસાં મારું…
ઘરે બેઠી રાહ જુએ છે એક ઘૂંઘટવાળી,
દીવો મૂકી ઉંબર બેઠી, નજરું ઢાળી ઢાળી;
એ દીવાનું તેજ બને મારા હલેસાનું નૂર…
હલેસાં મારું…
પરાગ કહે: જીવતર પણ છે વાંકી નદીનું વહેણ,
હલેસું જો શ્રદ્ધાનું, તો સરળ બને સૌ વેણ;
પાર ઊતરે એ જ, જેના હાથે હિંમતનું શૂર…
હલેસાં મારું…
– પરાગ રતનપરા