સામે પાર
ના હલેસાં, નાવ પણ ના, સાદ સામે પાર છે,
પૂર ઘૂઘવતું, છતાં એ નાદ સામે પાર છે.
ના તરાતું, તોય મનમાં ડૂબવાનો ડર નથી,
તોય કૂદું, કેમ કે ઉન્માદ સામે પાર છે.
આ તરફ ઘર, ખેતરો, સગપણ અને રોટી બધું,
આ તરફ છે જિંદગી, પણ સ્વાદ સામે પાર છે.
આ કિનારે માત્ર મારો દેહ છે, છાયા અને
પ્રાણ મારા, શ્વાસ મારા, યાદ સામે પાર છે.
આ પરાગે મ્હેક થઈને ઊડવાનું છે હવે,
ફૂલ આ કાંઠે, અને સંવાદ સામે પાર છે.
– પરાગ રતનપરા
#ગઝલ #પ્રેમ #સમર્પણ #લગની #સાહસ #પરાગરતનપરા
#GujaratiGhazal #CallOfLove #Devotion #LeapOfFaith #Longing #ParagRatanpara