← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

રૂડી ઘડી

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

આજ મારે આંગણે રૂડી ઘડી રે આવી,
સાધુ પધાર્યા, ને સાથે હરિની વાણી લાવી.

છાણ-ગારથી લીંપ્યું ઓરડું, પૂર્યો સાથિયો લાલ,
તુલસીક્યારે દીવો મૂક્યો, ઝળહળ્યો ઘરનો ભાલ;
એક જ ક્ષણમાં ઝૂંપડી મારી વૈકુંઠ જેવી ભાવી…
આજ મારે આંગણે…

રોટલો ને છાશ ધરી મેં, સાધુએ હસી જમ્યું,
‘ભૂખ્યાને જે ભાવે આપે, એનું ઘર મને ગમ્યું’;
એ મીઠી વાણીએ મારી જનમ-જનમની તરસ છિપાવી…
આજ મારે આંગણે…

પરાગ કહે: આ ઘડી ના મળે ઘડિયાળના કાંટે,
મળે જ્યારે મન ખાલી થાય, ને હરિ આવે આ વાટે;
ઝીણી ઘડીએ જાતરા આખી, ગંગા ઘરમાં નાવી…
આજ મારે આંગણે…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખટેવ છેઆગલો લેખ →ફેરિયો