← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

રોંગ નંબર

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ખાલી ઘરમાં ફોન રણક્યો, કોઈ અજાણ્યો સાદ,
‘રોંગ નંબર’ કહી મૂક્યો, તોય વરસી ગયો વરસાદ.

દીકરો દરિયાપાર ગયો ને દીકરી ગઈ સાસરે,
ભીંતે ટાંગી ઘડિયાળ મારી સાથે નિસાસા ભરે;
એવે ટાણે કોઈ પૂછે: ‘હલો, મગનભાઈ છો?’
મન બોલ્યું: ‘હા, હું જ છું, બોલો — તમે કેમ છો?’
ખાલી ઘરમાં ફોન રણક્યો…

ભૂલથી આવેલો અવાજ ભૂલ્યો નહીં ભુલાય,
બે મિનિટની વાતમાં આખો જનમારો ઠલવાય;
એણે કીધું: ‘માફ કરજો, લાગ્યો ખોટો તાર,’
મેં કીધું: ‘ભાઈ, ખોટો તો આ સૂનો સૂનો સંસાર.’
ખાલી ઘરમાં ફોન રણક્યો…

પરાગ કહે: આ જગમાં સાચા નંબર સૌ બંધ,
ખોટા નંબરે આવી પહોંચે ક્યારેક સાચો સંબંધ;
હવે રોજ સાંજે બેસું હું ફોન કને ગુમનામ,
કોઈ ભૂલું પડે તો જાણું — મારું પણ છે નામ.
ખાલી ઘરમાં ફોન રણક્યો…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખચૂંદડીની ચોરીઆગલો લેખ →પડોશી