રણની રાણી
ખારે પાટે ઝાંઝર વાગે, રણ આખું રણકે રે,
ઊંટ ચડીને આવે સાયબો, ચાંદો ઝબકે રે.
માથે ત્રણ ત્રણ બેડાં લઈને ગાઉ ગાઉ ચાલું રે,
તરસ્યા રણની વચ્ચે મીઠું સપનું પાળું રે;
કૂવે કૂવે પાણી ઊંડાં, તોય હૈયું છલકે રે…
ખારે પાટે…
ભરત ભરેલાં આભલાંમાં સો સો સૂરજ ઝૂલે,
રણની રેતી વચ્ચે મારાં લાલ ગુલાબી ફૂલે;
સાયબો જોતાં આભલું આભલું ઝગમગ ઝબકે રે…
ખારે પાટે…
પરાગ કહે: આ રણ નથી, આ તો તપતું મન,
જ્યાં ચાહત છે, ત્યાં જ મળે છે મીઠું જળ ને વન;
રેતી રેતી વચ્ચે પ્રીતનું ઝરણું ખળકે રે…
ખારે પાટે…
– પરાગ રતનપરા