રાતપાળી
આખું નગર ઊંઘી જાય
ત્યારે એની નોકરી શરૂ થાય છે.
સોસાયટીના ઝાંપે
એક પ્લાસ્ટિકની ખુરશી,
એક સીટી,
ને એક લાકડી —
એ જ એનું રાજ્ય.
એ જાગે છે
જેથી બંગલાઓ નિરાંતે ઘોરે,
જેથી ગાડીઓ ચોરાય નહીં,
જેથી કૂતરાં પણ ભસીને થાકે.
ને દૂર કોઈ ચાલીમાં
એનાં બે બાળકો
બાપ વગર ઊંઘી જાય છે —
રોજ,
કોઈ સીટીના અવાજ વિના.
સવારે એ ઘેર પહોંચે
ત્યારે બાળકો નિશાળે ગયાં હોય.
એ એમનાં ખાલી પથારાં પર
હાથ ફેરવીને સૂઈ જાય છે,
જાણે
એમની ઊંઘ પર
ચોકી કરતો હોય.
– પરાગ રતનપરા