રામ પર
જે થયું, જે ના થયું, સઘળું ય છોડ્યું રામ પર,
ને હૃદયના તાર સાથે તાર જોડ્યું રામ પર.
બંધ તૂટ્યો, ગામ ડૂબ્યું, રંક ડૂબ્યા સાવ, ને
ઠીકરું સરકારનું તો આમ ફોડ્યું રામ પર.
એક મંદિર, એક મસ્જિદ, ને થયાં તોફાન, ને
આપણું સગપણ બધાએ ક્યાંક તોડ્યું રામ પર.
આભ કોરું, ધૂળ ઊડે, ને તિરાડો ખેતરે,
તોય એણે ખેતરે હળ આજ ખોડ્યું રામ પર.
આ ‘પરાગે’ મન ભટકતું રોજ રોક્યું, તોય એ
આખરે થાકી ગયું, ને એમ દોડ્યું રામ પર.
– પરાગ રતનપરા
#ગઝલ #શરણાગતિ #શ્રદ્ધા #કોમવાદ #ખેડૂત #પરાગરતનપરા
#GujaratiGhazal #Surrender #FaithInRam #CommunalHarmony #FarmersHope #ParagRatanpara