ઘડિયાળમાં
આજ પણ અટકી પડી છે લાગણી ઘડિયાળમાં,
રોજ ટકટક થાય છે બસ માગણી ઘડિયાળમાં.
એ ઝરૂખે રાહ જોતી રાત-દિન બેસી રહી,
રંગ ઝાંખો થાય ધીમે ઓઢણી ઘડિયાળમાં.
ખેડુ જાણે મેઘ, તારા ને પવનની વાત, પણ
થાય છે આજે બધી એ વાવણી ઘડિયાળમાં.
વાળ ધોળા, દાંત ઢીલા, ને નજર ઝાંખી પડી,
આયખાની ચાલતી આ કાપણી ઘડિયાળમાં.
આ ‘પરાગે’ સાચવી છે ક્ષણ ગઝલમાં, જ્યાં હજી
જે કદી ન્હોતી થવાની, રોપણી ઘડિયાળમાં.
– પરાગ રતનપરા
#ગઝલ #સમય #પ્રતીક્ષા #ઘડપણ #ખેતી #પરાગરતનપરા
#GujaratiGhazal #Time #Waiting #Aging #TimelessPoetry #ParagRatanpara