રાખમાં
તાજ, તખ્તો, ખડ્ગ, સઘળું અંત જોયું રાખમાં,
જે અહમનું પોટલું સૌ રોજ ઢોયું રાખમાં.
એક જોગી ચોળતો'તો રોજ અંગે ભસ્મને,
મેલ મનનો સૌ ઘસીને એમ ધોયું રાખમાં.
લોક પૂછે: ‘શું કમાયો સર્વ છોડી, જોગડા?’
‘જે કદી મારું ન હોતું, એ જ ખોયું રાખમાં.’
ચંદને કે બાવળે બળ, રાખ સૌની એક છે,
તોય ચંદન એકલું ચુપચાપ રોયું રાખમાં.
નામ, ગઝલો, દેહ – સઘળું ઊડશે આ ધૂમ થઈ,
મ્હેકનું મોતી ‘પરાગે’ તોય પ્રોયું રાખમાં.
– પરાગ રતનપરા
#ગઝલ #વૈરાગ્ય #જોગી #નશ્વરતા #અહમ #પરાગરતનપરા
#GujaratiGhazal #Detachment #Ascetic #Impermanence #Ego #ParagRatanpara