રાખડી
રેશમની દોરી ને ચોખાના દાણા,
વીરા, તારે કાંડે બાંધું હું મારા પ્રાણ…
નાનપણે તું મારી ચોટલી ખેંચતો, ઢીંગલી તોડતો રમતાં રમતાં,
બાને કહી દઉં તો ખિસ્સેથી કાઢી દેતો ખાટી આમલી હસતાં હસતાં;
એ ઝઘડા ને એ મનામણાં, વીરા, આજ લાગે મીઠાં ગાણાં…
રેશમની દોરી…
સાસરિયે હું દૂર વસું ને તું પરદેશે, આંગણ સૂનું,
ફોનમાં તારો સાદ સુણું ને આંખે આવે ઝળઝળિયું ઊનું;
વરસમાં એક દી’ આવજે, વીરા, સાથે બેસી જમીએ ભાણાં…
રેશમની દોરી…
પરાગ કહે: આ દોરો નથી, બેનીના હૈયાનું ગાણું,
કાંડે બાંધ્યું, વીરે જાણ્યું — આ જ ખરું નાણું;
સાત જનમ લગ છૂટે નહીં, એવા હેતનાં તાણાં-વાણાં…
રેશમની દોરી…
– પરાગ રતનપરા