પ્રેમ એટલે
પ્રેમ એટલે શું, સખી? પ્રેમ એટલે શું?
એના ખભે માથું મૂકું, ને ઠરી જાય બધું.
એ ચાનો કપ ધરે, ને ભૂલે ખાંડ નાખવી,
તોય મીઠી લાગે એ ચા — એ જ પ્રેમની ચાવી;
વાતે વાતે ઝઘડી પડીએ, પાછાં હસીએ બહુ…
પ્રેમ એટલે શું…
તાવ આવે મને, ને આખી રાત એ જાગે,
માથે મૂકે ભીનાં પોતાં, ભગવાન પાસે માગે;
સવારે પૂછું: ‘સૂતા નહીં?’ તો કહે: ‘ઊંઘ્યો બહુ…’
પ્રેમ એટલે શું…
પરાગ કહે: ના ચાંદ-તારા, ના ઊંચા તાજમહેલ,
પ્રેમ એટલે રોજ સાંજે ઊંબરે ઊભી ટહેલ;
ઘરડા, ધ્રૂજતા હાથ ઝાલીએ — એથી વધુ શું?
પ્રેમ એટલે શું…
– પરાગ રતનપરા