પ્રાર્થના
કેટલાક કહે છે,
ઈશ્વર જેવું કંઈ છે જ નહીં.
હું દલીલ નથી કરતો.
બસ,
રાતે બે વાગ્યે
તાવથી તપતા દીકરાના કપાળે
જ્યારે મારો હાથ ધ્રૂજે છે,
ત્યારે મારા હોઠ
કોઈક નામ બોલી ઊઠે છે.
હોસ્પિટલના બાંકડે
અજાણ્યો માણસ
ચૂપચાપ મારી બાજુમાં બેસી
ચાનો કપ ધરે છે.
સવારે
દીકરો આંખ ખોલે છે,
ને પૂછે છે: ‘પપ્પા, ભૂખ લાગી.’
હું આકાશ તરફ નથી જોતો.
હું પેલા અજાણ્યા માણસને શોધું છું —
એ ક્યાંય દેખાતો નથી.
ને ત્યારે
મને દલીલની જરૂર નથી પડતી.
– પરાગ રતનપરા