પીગળે
સ્પર્શ તારો થયો, આંગળી પીગળે,
શ્વાસમાં સૂર થઈ વાંસળી પીગળે.
બર્ફ જેવું સરોવર હતું, પણ હવે
કો' કિરણ આવતાં, વાદળી પીગળે.
બાપની આંખમાં આંસુ જોયાં નથી,
દીકરી સાસરે, પાંસળી પીગળે.
રાતભર બે અબોલાં હતાં, ને પછી
ગાજતાં મેઘ, બે વીજળી પીગળે.
આ પરાગે ગઝલ જ્યાં કહી, સાંભળો,
લોહની, જેલની સાંકળી પીગળે.
– પરાગ રતનપરા
#ગઝલ #પીગળવું #સ્પર્શ #પિતા #દીકરી #પરાગરતનપરા
#GujaratiGhazal #Melting #TenderTouch #FatherDaughter #PowerOfWords #ParagRatanpara