પીડાને પત્ર
જા રે, ઓ પીડા! તું તો સાવ ઘરરખ્ખુ નીકળી,
વગર બોલાવ્યે આવી ને ઉંબર લગ પાથરી દીધી ઝૂંપડી…
સુખ આવ્યું’તું ચપટીક, ને ઊભું’તું બારણે,
તેં તો એને ધક્કો દીધો, રોજના કોઈ કારણે;
હાથમાં આવી ખુશીની ચિઠ્ઠી, તેં વાંચ્યા વિના ફાડી…
જા રે, ઓ પીડા!
ચૂલે બેઠી, પાણિયારે બેઠી, બેઠી તું ખાટલે,
રાત પડે ને આવી ઊભી પાંપણની ઘાટલે;
ઓશીકે મારા માથા નીચે તેં તો તારી ગોદડી વાળી…
જા રે, ઓ પીડા!
પરાગ કહે: પણ પીડા, તું ન હોત તો શું થાત?
કોણ શીખવત આંસુને ગીતમાં ઢળવાની વાત?
જા, તને માફ કરી, પણ હવે જરા હળવે હળવે ચાલી…
જા રે, ઓ પીડા!
– પરાગ રતનપરા