પથ્થરે
ઘાવ ઝીલ્યા ટાંકણાના, તો ઘડાયું પથ્થરે,
રામ જેવું નામ પણ ત્યારે લખાયું પથ્થરે.
દૂધની ધારા ચડે, ને બાળ ભૂખ્યું બારણે,
મૂર્ખતાનું ગીત કેવું આ રચાયું પથ્થરે!
નામ, બે તારીખ, ને બે શબ્દ, સૂકી પાંખડી,
એટલામાં આયખું આખું છપાયું પથ્થરે.
ગામનો રસ્તો બતાવે, પણ કદી ચાલે નહીં,
કેટલાયે જન્મનું અંતર મપાયું પથ્થરે.
આ પરાગે ફૂલ મૂક્યું, ને સુગંધી ત્યાં રહી,
ના કશું પણ આટલું કોમળ મઢાયું પથ્થરે.
– પરાગ રતનપરા
#ગઝલ #પથ્થર #શિલ્પ #અંધશ્રદ્ધા #કબર #પરાગરતનપરા
#GujaratiGhazal #Stone #Sculpture #BlindFaith #Epitaph #ParagRatanpara