← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

દાઢી

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

મેં દાઢી વધારી.

ઑફિસમાં સાહેબે કહ્યું:
‘ચિંતક લાગો છો.’
સોસાયટીમાં પડોશણે પૂછ્યું:
‘કોઈ આઘાત લાગ્યો?’
સાહિત્યસભામાં સૌએ પૂછ્યું:
‘આજકાલ શું લખો છો?’

ચૂંટણી ટાણે
એક પક્ષે ટિકિટ ઑફર કરી,
બીજાએ મારા પર કેસ.

બાએ તો એટલું જ કહ્યું:
‘નાહી લે.’

દાઢી એક જ હતી,
અર્થ સૌના જુદા.

ત્યારે સમજાયું —
ચહેરો આપણો,
વ્યાખ્યા લોકોની.

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખમને ગમેઆગલો લેખ →પથ્થરે