પથ્થરમાં કૂંપળ
ખડક સમા આ હૈયામાં કોણે વાવ્યું બીજ?
કૂંપળ ફૂટી, પાંદડું ફરક્યું, જાણે ઝબકી વીજ.
વરસો લગ હું ખડક બનીને ઊભી રહી તડકામાં,
ના કોઈ પંખી, ના કોઈ છાંયો, ના કોઈ હરખ હૈયામાં;
એક દિ’ તારી નજર પડી ને ભીંજાઈ ગઈ ખીજ…
ખડક સમા આ હૈયામાં…
તિરાડે તિરાડે ઊગ્યાં વેલાં, ફૂલ ખીલ્યાં રાતાં,
પથ્થરના કાનમાં પંખી આવી ગીત લાગ્યાં ગાતાં;
કઠણ કાયામાં ઊગી આવી કૂણી કૂણી રીઝ…
ખડક સમા આ હૈયામાં…
પરાગ કહે: પથ્થર પણ પીગળે, જો વરસે સાચું હેત,
રણમાં પણ ગુલમોર ઊગે, જો ભીની હોય રેત;
પ્રેમ પડે ત્યાં ખડક બને છે ખેતર, ઊગે ચીજ…
ખડક સમા આ હૈયામાં…
– પરાગ રતનપરા