પરબીડિયું
બાપુના અવસાન પછી
એમના કબાટમાંથી
એક પરબીડિયું મળ્યું.
ઉપર લખ્યું હતું:
‘દીકરા માટે.’
દસ વરસ થયાં,
મેં એ ખોલ્યું નથી.
ખોલું તો
કદાચ ઠપકો હશે,
કદાચ માફી,
કદાચ જમીનના કાગળ,
કદાચ
ખાલી એક લીટી:
‘ખુશ રહેજે.’
પણ ખોલી નાખું
પછી
બાપુ પાસે
મને કહેવાનું
કશું બાકી નહીં રહે.
એટલે
જ્યાં સુધી એ બંધ છે,
બાપુ
હજી કંઈક કહેવાના છે.
– પરાગ રતનપરા