પરબ
ધખધખતા હાઇવે પર
એક ઝૂંપડી છે,
ને ઝૂંપડી આગળ
ત્રણ માટલાં.
એક ડોસો
આખો દિવસ
લોટો લઈને બેસે છે.
ટ્રક આવે, બસ આવે,
મોટરો સડસડાટ નીકળી જાય,
કોઈક જ ઊભું રહે.
જે ઊભું રહે,
એને ડોસો પૂછતો નથી —
નામ, ગામ, જાત, ધરમ.
બસ લોટો ધરે છે.
મેં એક વાર પૂછ્યું:
‘બાપા, આમાં તમને શું મળે?’
એ હસ્યા,
ને બોલ્યા:
‘આ માટલાં ખાલી થાય,
એટલે મારું હૈયું ભરાય, દીકરા.’
હવે ત્યાં
ઠંડા પાણીની બોટલો વેચાય છે,
વીસ રૂપિયે એક.
ડોસો ગયો,
ને એની સાથે
રસ્તા પરથી
તરસનો
સાચો જવાબ પણ ગયો.
– પરાગ રતનપરા