પહેલું સ્મિત
ઘોડિયે પોઢ્યું બાળ મલક્યું, ને ઘર આખું ઝળક્યું રે,
ભીંતે ટાંગ્યા ભગવાનનું પણ મુખડું સહેજ મલક્યું રે.
બાપુ ભૂલ્યા ખોંખારો, ને બા ભૂલી ગઈ માળા,
ભાઈ-બહેને દફતર મૂક્યાં, ભૂલી ગ્યાં સૌ ચાળા;
આંગણ ઊભો લીમડો પણ ડાળે ડાળે છલક્યો રે…
ઘોડિયે પોઢ્યું…
કોઈ કહે: પરીઓ સાથે વાતો કરતું હસતું,
કોઈ કહે: ગયા જનમનું સુખ સપનામાં વસતું;
ઝીણા ઝીણા હોઠોમાં તો આખું આભ ઝબક્યું રે…
ઘોડિયે પોઢ્યું…
પરાગ કહે: આ સ્મિત જ સાચી પહેલી કવિતા જગની,
અક્ષર એનો એક નથી, તોય ભાષા સઘળા મનની;
એ મલકે તો સમજો, મારું ઘર પણ આજે ધબક્યું રે…
ઘોડિયે પોઢ્યું…
– પરાગ રતનપરા