પહેલું પગલું
ડગમગ ડગમગ પહેલું પગલું, આંગણ આખું હરખ્યું રે,
બાની આંખે આંસુ આવ્યું, બાપુનું મન મરક્યું રે.
ઓસરીએથી ઉંબર લગ તો જાણે સાત સમંદર,
પડતું, ઊઠતું, ફરી પડતું, હસતું મનની અંદર;
ઊંચું આભ પણ નમીને એનાં પગલાંને નીરખ્યું રે…
ડગમગ ડગમગ…
દાદા બોલ્યા: ‘ધીમે ધીમે, જગમાં ચાલવું ભારે’,
દાદી બોલી: ‘પડતાં પડતાં જ ચાલતાં આવડે ત્યારે’;
સઘળું સાંભળી નાનકડું એ ફરી ફરીને સરક્યું રે…
ડગમગ ડગમગ…
પરાગ કહે: એ પહેલું પગલું ભરે આજ ઉંબરિયે,
કાલ ઊડશે દેશ-વિદેશે, સાત સમંદર તરિયે;
તોય બાના હૈયે એનું પહેલું પગલું અટક્યું રે…
ડગમગ ડગમગ…
– પરાગ રતનપરા