પહેલો વરસાદ
આભ ગાજે ને ધરતી ધ્રૂજે, મારું હૈયું રે થનગન થાય,
કે પહેલો વરસાદ મારી ઓસરીએ આવીને ચૂંદડી ભીંજવી જાય.
ખેતરે ગ્યા’તા સાયબા સવારે, સાંજ પડી, ના આવ્યા,
વીજળી ચમકે, મનડું ધબકે, કોણ જાણે ક્યાં ભરમાવ્યા;
મોરલો ટહુકે આંબલિયાની ડાળે, મને એનો સાદ સંભળાય…
કે પહેલો વરસાદ…
માટીની મ્હેકે ઓરડો મ્હેક્યો, ચૂલે ઊકળે દૂધ,
ભીંજાતા સાયબા આંગણે આવ્યા, ભૂલી ગઈ હું સુધબુધ;
ઝાંઝરી ઝણકે, કંગન ખણકે, હવે શરમે ના રહેવાય…
કે પહેલો વરસાદ…
પરાગ કહે: આ પહેલો વરસાદ નથી રે કેવળ પાણી,
આભે લખેલો કાગળ છે, જે વાંચે ધરતી રાણી;
ધરતી ને આભનું મિલન જોઈ આખું ગામ હરખાય…
કે પહેલો વરસાદ…
– પરાગ રતનપરા