← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

પહેલી મુલાકાત

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

પહેલી વાર મળ્યા, ને બોલ્યા કંઈ નહીં,
ચાનો કપ ધ્રૂજ્યો, ને આંખો ઢળી ગઈ.

મા કહે: ‘ધીરે પીરસજે’, ભાભી કહે: ‘હસજે થોડું’,
પપ્પા જુએ ઘડિયાળ, ને કહે: ‘થયું છે મોડું’;
મનમાં કેટલી વાતો હતી, હોઠે રહી ગઈ…
પહેલી વાર મળ્યા…

એણે પૂછ્યું: ‘શું ગમે?’ મેં કીધું: ‘વાંચન ને વરસાદ’,
એ હસ્યા ને બોલ્યા: ‘મને પણ, ને સાથે ચાનો સ્વાદ’;
પહેલી વાતે જાણે આખી જિંદગી ભીંજાઈ ગઈ…
પહેલી વાર મળ્યા…

પરાગ કહે: પહેલી મુલાકાત તો ફૂલની પહેલી કળી,
થોડી શરમાળ, થોડી ભોળી, થોડી ઝાકળમાં ઝળહળી;
એ પળની ખુશ્બૂ જીવનભર ઘરમાં મ્હેકી ગઈ…
પહેલી વાર મળ્યા…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખદૂર છેઆગલો લેખ →મૌનમાં