પગલાં
ગામ ખાલી થઈ ગયું છે.
જુવાનિયા શહેર ગયા,
ઘરડાં
ઓસરીએ બેઠાં બેઠાં
આભમાં ચાલ્યાં ગયાં.
શેરીની ધૂળ પર
હવે કોઈનાં પગલાં નથી —
બસ એક ઘરડા કૂતરાનાં,
જે રોજ
પાદર સુધી જઈને
પાછો વળે છે.
ચાલ,
આ રવિવારે ગામ જઈએ,
ને શેરીમાં
થોડાં પગલાં
પાડી આવીએ —
જેથી ધૂળને
થોડા દિવસ
એવું લાગે
કે હજી કોઈ
આ રસ્તે
પાછું આવે છે.
– પરાગ રતનપરા