પડોશીનો ઉંબરો
એક દીવો મૂકજો રે, પડોશીના ઉંબરે,
જ્યાં અંધારું બેઠું છે આ વરસે ઘરને ખૂણે.
ગઈ સાલ એ ઘરમાંથી ગઈ’તી નનામી,
આ વરસે ન રંગોળી, ન ફટાકડાની ધામી;
બારી પાછળ ઊભાં બા ચૂપચાપ જુએ…
એક દીવો મૂકજો રે…
આપણે ઘેર તો તોરણ, લાઇટો ને મીઠાઈ,
ઝગમગ ઝગમગ આખું ઘર, ને ઝૂમે ભાઈ-ભાઈ;
પણ એક ઘરે અંધારું તો આખી શેરી રૂએ…
એક દીવો મૂકજો રે…
પરાગ કહે: દિવાળી એટલે લક્ષ્મીનું આવવું,
પણ એથીયે મોટું, કોઈ આંસુ લૂછવા જાવું;
એક દીવે બે ઘર ઝળહળે, એવી રીત કોણ ભૂલે?
એક દીવો મૂકજો રે…
– પરાગ રતનપરા