પાનખરનું ઝાડ
ઝાડ
કોઈ ફરિયાદ કરતું નથી.
એક એક પાન
પીળું પડે, ઢીલું પડે,
ને પવનની પહેલી જ ટપલીએ
નીચે ઊતરી જાય —
જેમ દીકરી પરણીને
ડેલીનો ઉંબરો ઊતરે.
ઝાડ ઊભું રહે છે,
ખાલી હાથ ઊંચા કરીને,
જાણે આકાશને કહેતું હોય:
‘લે, હવે મારી પાસે
છુપાવવા જેવું કંઈ નથી.’
અને ત્યારે જ,
કોઈ જોતું ન હોય ત્યારે,
એની સૌથી સૂકી ડાળ પર
એક ચકલી
માળો બાંધવાનું નક્કી કરે છે.
– પરાગ રતનપરા