પાદરની દેરી
ગામને પાદર નાની દેરી, દીવો ઝગે અંધારે,
આખું ગામ સૂઈ જાય તોય માડી જાગે દ્વારે.
નથી ઊંચું શિખર, નથી સોનેરી કળશ,
બે પથ્થરને ચૂંદડી ઓઢાડી, એ જ માડીનો દરશ;
ભૂલ્યા-ભટક્યા વટેમાર્ગુને મળે મારગ એને સહારે.
ગામને પાદર…
વહુ આવે તો પહેલું પગલું દેરીએ જઈ પાડે,
દીકરી જાતાં આંસુ લૂછે, માડીને ભળાવે;
ખેડૂ પહેલો દાણો મૂકી, પછી બીજ ઉતારે.
ગામને પાદર…
પરાગ કહે: મોટાં મંદિર, લાંબી લાંબી લાઇન,
ટિકિટ લઈને દર્શન થાતાં, ભગવાન પણ ‘ઑનલાઇન’!
પણ આ દેરીએ માડી સાંભળે એક જ ઝીણા પુકારે.
ગામને પાદર નાની દેરી…
– પરાગ રતનપરા