પાદર, ભૂલતો ના
પાદર, મને ભૂલતો ના, હું તો હાલી સાસરિયે,
તારા વડલાની છાંયડી હું ઓઢી લઉં પાલવિયે.
અહીં રમી’તી કૂકા-પાંચીકા, અહીં બાંધ્યા’તા ઝૂલા,
અહીં તળાવે ભરી’તી બેડલી, અહીં ગાયાં’તાં ગીત પહેલાં;
હવે આવીશ તો મહેમાન થઈને, એ જ દુઃખ છે અંતરિયે…
પાદર, મને ભૂલતો ના…
ગાડું ચાલ્યું, ધૂળ ઊડી, ને બા દોડી ઝાંપા લગી,
બાપુ ઊભા પાછળ, મૂછ આમળતા, આંખ ભરી ભરી ઝગી;
ભાઈ લૂછે આંસુ છાનાં, બહેની વળગી બારણિયે…
પાદર, મને ભૂલતો ના…
પરાગ કહે: દીકરી જાય ને પાદર થાય પરાયું,
તોય પાદરની ધૂળમાં રહે એનું પગલું સચવાયું;
જ્યારે પાછી આવે, ત્યારે વડલો ઝૂમે હરખિયે…
પાદર, મને ભૂલતો ના…
– પરાગ રતનપરા