← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ઓટલો

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

દાદીમાના શબ્દકોશમાં
“ડિપ્રેશન” શબ્દ નહોતો.
એ કહેતાં,
“મન ઊતરી ગયું છે,”
ને પછી
ઓટલે બેસી
પાડોશણ સાથે
અડધો કલાક વાતો કરતાં,
ને મન
પાછું ચડી જતું.

“ઍન્ગ્ઝાયટી” પણ નહોતો,
એ કહેતાં,
“જીવ ઊંચો થઈ ગયો છે,”
ને માળા લઈ
એકસો આઠ મણકા ફેરવતાં.

“લોનલીનેસ”?
એ શબ્દ પણ નહોતો,
કારણ કે
ઘરમાં નવ જણ હતા,
ને દસમું
ગાયનું વાછરડું.

આજે
મારી પાસે
બધા શબ્દો છે,
એમના અર્થો છે,
એના નિષ્ણાતો છે,
એની ગોળીઓ છે.

ફક્ત
ઓટલો નથી.

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખતરસ છેઆગલો લેખ →શબ્દ વિના