નોરતાંનું ગીત
નવલી રાતે નવલા ચણિયા, નવલો ડીજેનો શોર,
માડી પૂછે ગરબે આવી: ‘મારો દીવો કઈ કોર?’
પાસ લીધા છે પાંચ હજારના, ડ્રેસ લીધા છે દસના,
સેલ્ફી માટે ગોળ ફરે સૌ, પગ તો ઊઠે બસ ના;
ગરબો તો માળિયે બેઠો, ધૂળ ચડી છે ઘનઘોર…
માડી પૂછે…
ઢોલી બિચારો દૂર ઊભો, સ્પીકર ગાજે ભારે,
‘ઘૂમ્મર’ નહીં, ‘સ્ટેપ’ શીખવે છે કોચ ત્રણસો રૂપિયે વારે;
રીલ બને, ને લાઇક મળે, ને રાત થાય છે ભોર…
માડી પૂછે…
પરાગ કહે: મા તો હસીને બેઠી ખૂણે જઈને,
એક ડોશીએ દીવો મૂક્યો, ગરબો ગાયો રહીને;
માએ એની તાળી ઝીલી, બાકી સઘળો શોર…
માડી પૂછે…
– પરાગ રતનપરા