નિવૃત્તિ, અમેરિકામાં
દીકરાએ બોલાવ્યાં —
‘પપ્પા-મમ્મી, હવે તો આવો,
અહીં આરામ કરજો.’
અમે આવ્યાં.
સવારે
પૌત્રને બસ-સ્ટૉપે મૂકીએ,
બપોરે
પૌત્રીનું ડાયપર બદલીએ,
સાંજે
વહુ માટે રોટલી વણીએ.
અહીં
અમે ‘દાદા-દાદી’ નથી,
‘બેબીસિટર’ છીએ —
પગાર વગરના,
પણ ગ્રીનકાર્ડવાળા.
શનિ-રવિ
મૉલ જઈએ,
જ્યાં બધું મળે છે —
ઓટલો નથી મળતો.
રાતે
બારીમાંથી
બરફ પડતો જોઉં છું
ને વિચારું છું:
ગામમાં
આ વખતે
કેરી કેવી આવી હશે?
– પરાગ રતનપરા