નિભાવું છું
સવારે ઊઠતાં સાથે તણાવો હું નિભાવું છું,
નથી ફરિયાદ કૈં મારે, અભાવો હું નિભાવું છું.
હિસાબો બોસ માગે, બેંક માગે, ઘર ય માગે છે,
બધાંના ભાર ખભ્ભે લઈ, દબાવો હું નિભાવું છું.
ઘરે ભાડું, દવા બાની, ભણામણ દીકરીની ને
સમયના રોજના કડવા બનાવો હું નિભાવું છું.
કદી ઘર ના પહોંચાયું, સતત સ્ટેશન જ બદલાયાં,
સફરના સૌ અધૂરા એ પડાવો હું નિભાવું છું.
પરાગે ફૂલ થાવું’તું, હવામાં મ્હેકવું’તું, પણ
થયો માળી, હવે સૌના સ્વભાવો હું નિભાવું છું.
– પરાગ રતનપરા
#ગઝલ #જવાબદારી #મધ્યમવર્ગ #તણાવ #ગૃહસ્થ #પરાગરતનપરા
#GujaratiGhazal #Responsibility #MiddleClassLife #DailyStruggle #Breadwinner #ParagRatanpara