← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

નેણનો કેફ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

તારાં નેણનો કેફ ચડ્યો રે, મારે ગામનો રસ્તો ભૂલ્યો,
હું તો ઝૂલ્યો રે ઝૂલ્યો, તારી પાંપણ-હીંચકે ઝૂલ્યો.

હાટે ગ્યો’તો લેવા ગોળ ને મીઠું, લઈ આવ્યો ખોબે ચાંદની,
બાપુ પૂછે: ‘ક્યાં ગ્યા પૈસા?’, મા પૂછે: ‘કોની લાગી લાગણી?’
મેં તો હસીને નીચું જોયું, ને આંગણનો મોગરો ફૂલ્યો…
તારાં નેણનો કેફ…

કૂવે ગઈ’તી તું ગાગર લઈને, હું ય કૂવાને કાંઠે બેઠો,
તેં તો સીંચ્યું પાણી ગાગરમાં, હું તો નેણ-કૂવામાં હેઠો;
તારો ઘડો ભરાયો, ને મારો ભીતરનો દરવાજો ખૂલ્યો…
તારાં નેણનો કેફ…

પરાગ કહે: આ કેફ નથી રે મહુડાનો કે નથી અફીણ,
આ તો નેણનો કસુંબો, જેને ઘોળે છે પ્રીત પ્રવીણ;
એક વાર જે પીએ, એ જીવતર આખું ડોલ્યો રે ડોલ્યો…
તારાં નેણનો કેફ…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખહું એવી નથીઆગલો લેખ →ચાંદો ને હું