નીકળી
જ્યોતિષીની વાત આખી સાવ ખોટી નીકળી,
જિંદગી આખી પછી તો બસ કસોટી નીકળી.
બાળપણમાં ચાંદ માગ્યો, થાળમાં મા લાવતી,
આજ મોટો થઈ ગયો તો ભૂખ મોટી નીકળી.
રત્ન શોધ્યાં જિંદગીભર મેં ખજાને, તે છતાં,
જે ચમકતી'તી ખરેખર, એ લખોટી નીકળી.
ગૂંથતી'તી વારતા દાદી દિવસ ને રાત જે,
એ જ આજે દીકરીના વાળ-ચોટી નીકળી.
શબ્દના સોદા પરાગે ખૂબ કીધા, તે છતાં,
ભૂખ સામે તો ગઝલ સૌ એક રોટી નીકળી.
– પરાગ રતનપરા
#ગઝલ #શક્યતા #જીવનકસોટી #બાળપણ #ભૂખ #પરાગરતનપરા
#GujaratiGhazal #LifesIrony #Childhood #Hunger #Expectations #ParagRatanpara