← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

બંને

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

નદી કાંઠે હતાં એવી ઘડીએ આપણે બંને,
હજી એ યાદને શેકે ઠરેલા તાપણે બંને.

અમે ખીલ્યાં, અમે વેર્યાં, અમે ફૂલો ઉછેર્યાં'તાં,
હવે ખરતાં જુએ છે પાંદડાં, આ આંગણે બંને.

હવે ચશ્માં ય જડતાં ના, હવે તો દાંત પણ ખોટા,
પરસ્પર આંસુ ઝીલે છે હજી આ પાંપણે બંને.

હતા'તા સાત ફેરા, ને હવે છે સાત ગોળીઓ,
હસે છે જોઈ ધોળા વાળ, ઝાંખા દર્પણે બંને.

પરાગે, એક દી ઊડી જશે આ મ્હેક ફૂલોથી,
અને પાછાં મળીશું ક્યાંક, ઓઢી ખાંપણે બંને.

– પરાગ રતનપરા

#ગઝલ #દાંપત્ય #વૃદ્ધાવસ્થા #સાથ #સ્મૃતિ #પરાગરતનપરા
#GujaratiGhazal #OldCouple #Togetherness #LifelongLove #Memories #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખઆભમાંઆગલો લેખ →નીકળી