નામ
હરિનું નામ લઉં ને મારો ભાર હળવો થાય,
જેમ પવન અડે ને પાંદડું ડાળે ઝૂલી જાય.
કાશી ગયો ના, મથુરા ગયો ના, ગયો ન હું હરદ્વાર,
ઘરને ઉંબરે બેસી ગાયું, બાએ શીખવ્યો સાર;
એ જ નામમાં ગંગા વહેતી, ભીતર ન્હાવા જાય…
હરિનું નામ લઉં…
દુઃખ આવ્યું તો નામ લીધું, ને સુખ આવ્યું તો ગાયું,
વચ્ચે વચ્ચે ભૂલ્યો, તોયે નામે મુજને સાહ્યું;
પ્રહ્લાદને જેમ થાંભલે, મુજને શ્વાસે શ્વાસે થાય…
હરિનું નામ લઉં…
પરાગ કહે: મેં માળા ગણી ના, ગણ્યા ન કોઈ મણકા,
પણ ધબકારે ધબકારે વાગ્યા હરિના ઝીણા રણકા;
નામ લઉં ત્યાં નામ જ મારું આપોઆપ ભુલાય…
હરિનું નામ લઉં…
– પરાગ રતનપરા