મુલાકાતી
હૉસ્પિટલનો વૉર્ડ નંબર સાત,
પલંગ નંબર ત્રણ.
દીકરાઓ વ્યસ્ત છે,
દીકરી દૂર છે,
ને મિત્રો
કાં તો ગયા, કાં તો પોતે જ
કોઈ બીજા વૉર્ડમાં છે.
આજે બપોરે
એક માખી આવી
ને એના ઢીંચણ પર બેઠી.
એણે હાથ ન હલાવ્યો.
ઘણી વાર સુધી
એ માખીને જોતો રહ્યો —
એની પાંખો,
એના પગ,
એનું આમ તેમ ફરવું.
નર્સ આવી,
માખી ઊડી ગઈ.
નર્સે પૂછ્યું: ‘કોઈ આવ્યું હતું?’
એ હસ્યો:
‘હા, એક મુલાકાતી.’
– પરાગ રતનપરા